DySP ચિરાગ સવાણી અને તેમના ભાઈ હરનીશ સવાણી ઉર્ફ મોન્ટુના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનાર ભરત પટેલના પરિવારજનો અને મિત્રોનું પોલીસે સોમવારે નિવેદન નોંધ્યું હતું.

ભરતના એક મિત્રએ જણાવ્યા મુજબ સવાણી બંધુઓ ભરતની હત્યા કરવાની, પુત્ર-પુત્રીના અપહરણની ધમકી પણ આપતાં હતા.

રાણીપ પોલીસે મૃતક ભરતના પિતા ભિખાભાઈ, ભાઈ નરેશભાઈ, પત્ની ઉષાબહેન, પુત્રી-પુત્રની પૂછપરછ કરી હતી. આ નિવેદનો મુજબ સવાણી બંધુઓએ આઠથી નવ માસ પહેલા બિટકોઈન ખરીદ્યા બાદ તેનો ભાવ ગગડતાં નુકશાન તારા કારણે થયું તેમ કહી ભરત પાસે ધમકીભરી ભાષામાં ઉઘરાણી કરતા હતો.

આરોપી બંધુઓએ નુકશાનની રકમ, તેનું વ્યાજ અને પેન્લીટનો હિસાબ કરીને ૬૫ લાખ રૂપિયાની માંગણી ભરત પાસેથી કરી હતી. સવાણી બંધુઓની કડક ઉઘરાણીને પગલે ડરતાં ભરત પટેલ અવારનવાર દહેરાદૂન ખાતે હેમંત શર્માને મળવા માટે જતા હતા.

આથી શર્માએ આ કેસમાં શું ભૂમિકા ભજવી છે તે અંગે પણ રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારના સભ્યોએ જણાવ્યા મુજબ સવાણી બંધુઓ ભરત પટેલ પાસેથી નુકશાનની રકમ ઉપરાંત, તેનું વ્યાજ અને પેન્લટીની રકમ એમ બધું મળીને રૂ. ૬૫ લાખની એટલે કે ૧૧.૫૭૫ બિટકોઇનની માંગણી કરતા હતા.

ભરત-સવાણી વચ્ચે બીટકોઇન ટ્રેડિંગ અંગે કેવી રીતે વિવાદ થયો હોય?

ભરત પટેલે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે સવાણી બંધુઓએ ટ્રેડિંગ કરવા માટે આપેલા ૫ બિટકોઇન સામે ૧૧.૫૭૫ બિટકોઇનની માંગણી કરતાં હતાં. પોલિસે તો આનું રહસ્ય ઉકેલવા સીઆઇડી ક્રાઇમની ટીમની મદદ લીધી છે, પરંતુ સંદેશે બિટકોઇન બજારના જાણકારોનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે જે રીતે શેરબજારમાં ડબા ટ્રેડિંગ ચાલે છે એવી રીતે બિટકોઇનમાં પણ ગેરકાયદેસર રીતે ટ્રેડિંગ થાય છે.

આવું ટ્રેંડિગ કરાવતા લોકો બિટકોઇન ધારકોને અઠવાડિયે ૩થી ૫ ટકાના રિટર્નની ગેરંટી આપે છે. વિદેશના બજારોમાં થતાં બિટકોઇનના ડે ટ્રેડિંગમાં ૫થી ૭ ટકાની વોલેટિલિટી જોવા મળે છે, આથી આવું ડે ટ્રેડિંગ કરીને વળતરની ગેરંટી આપનારા ટ્રેડર્સ કમાણી કરતાં હોય છે.

આ સૂત્રોએ ઉમેર્યું હતું કે ભરત પટેલે પણ આ પ્રકારે ટ્રેડિંગ કરવા માટે સવાણી બંધુ પાસેથી ૫ બિટકોઇન લીધા હોય અને એક સમયે બિટકોઇનનો ભાવ ૨૦,૦૦૦ ડોલરે ગયો હતો જે હાલમાં ઘટીને ૭થી ૮ હજાર ડોલર વચ્ચે હોવાથી ભરત પટેલને નુકસાન જતાં સવાણી બંધુઓ તેમને આપવામાં આવેલી ગેરંટી પ્રમાણે ૬૫ લાખની ઉઘરાણી કરી રહ્યા હોય એ શક્ય છે.

જોકે આ સુત્રો એમ પણ ઉમેરે છે કે ટ્રેડિંગ કરવા માટે સવાણી બંધુઓએ પોતાના ડિજિટલ વોલેટમાંથી ૫ બિટકોઇન તો ભરત પટેલના ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કર્યા જ હશે. આથી જો બન્નેના ડિજિટલ વોલેટમાં થયેલા વહેવારોની તપાસ કરવામાં આવે તો જ સાચી હકીકત બહાર આવે.

હર્ષદ મહેતાના સમયમાં નુકસાન જતાં પૈસા ચૂકવ્યા હતા । ભરત પટેલને હર્ષદ મહેતાના સ્કેમ બાદ ૧૯૯૬ની આસપાસ શેરબજારમાં મોટું નુકશાન થયું હતું. આ નુકશાનમાં પરિવારના સભ્યો અને ભરત પટેલે લોકોને તમામ હિસાબ ચુકવી દીધો હતો. ભરત પટેલની છાપ વિસ્તારમાં સેવાભાવી વ્યક્તિ તરીકે હોવાનું સ્થાનિકો કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ખાખી પર કલંક! DySP ચિરાગ સવાણીએ ભરતની હત્યાની, પુત્રના અપહરણની ધમકી આપેલી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/disgrace-at-the-khake-dysp-chirag-savani-threatens-to-kill-bharat-sons-abduction/
via Best Gujarati News