જનરલ ટિપ્સ :- મિતા યાજ્ઞિાક

વડીલો જ્યારે આપણને આશીર્વાદ આપે છે ત્યારે સો દિવાળી કે સો શિયાળા તમે જુઓ એટલે કે સો વર્ષની તમે જિંદગી ભોગવો એવી શુભેચ્છા પાઠવે છે. તેઓ સો ઉનાળા કે સો હોળી નથી કહેતાં. શું કામ? કારણ કે શિયાળો તબિયત બનાવવાની મોસમ છે, જ્યારે ઉનાળો તબિયત જાળવવાની ઋતુ છે. ઉનાળામાં શરીરના મામલે ડિફેન્સિવ બની રહેવું મહત્ત્વનું છે. આ મહિનાઓમાં માંદા ન પડાય એનું વિશેષ ધ્યાન રાખવું રહ્યું. ઉનાળામાં ભૂખ થોડી ઓછી લાગે છે અને શરીરનું ઊર્જા-સ્તર નીચું રહે છે. ત્વચા માટે પણ આ સમયગાળો વધુ કપરો સાબિત થતો હોય છે.

તો આવો, આ કાળઝાળ ગરમીની મોસમ પૂરી થાય ત્યાં સુધી ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો વિશે જાણીએ.

એવું નથી કે ઉનાળો છે એટલે ખાન-પાન સાવ જ બદલી નાખવા જોઈએ. ના, દાળ-ભાત-રોટલી-શાકનું આપણું રોજિંદું ભોજન ધરમૂળમાંથી બદલી નાખવાની જરૂર નથી, પરંતુ ભારે, તૈલી વાનગીઓને બદલે કોલ્ડ સૂપ્સ, તાજાં શાકભાજી, શરબત, છાસ-દહીં વગેરે વધુ પ્રિફર કરવાં જોઈએ.

ઉનાળામાં ગરમી તથા પરસેવાને લીધે ડિહાઇડ્રેશન વધુ થાય છે. તેને લીધે શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ્સ ઘટી જાય છે. ઇલેક્ટ્રોલાઈટ્સ ઘટવાને કારણે થાક જેવું લાગવું અને આળસ ચડવી સ્વાભાવિક છે. આવામાં, આપણા આહારમાં તાજાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાશે. જેઓ સ્વાદના રસિયાં છે એવા લોકો વેજિટેબલ ચિપ્સ, સેન્ડવિચ, હેલ્ધી સૂપ્સ વગેરે રૂપે ફળ-શાકભાજીનો ખોરાકમાં સમાવેશ કરી શકે.

ગરમીની આ મોસમમાં લીંબુ-પાણી, નાળિયેર-પાણી, છાસ, કોકમથી માંડીને વરિયાળી, રોઝ વગેરેનાં શરબત પીવાથી કાળજે ઠંડક પણ પહોંચશે અને તેનાથી આરોગ્ય પણ સારું રહેશે. તેનાથી ઇલેક્ટ્રોલાઈટ્સનું બેલેન્સ જળવાશે.

ઉનાળામાં રોજ દસથી બાર ગ્લાસ પાણી અચૂક પીવું. પાણીની બોટલ સાથે જ રાખવી. વખતોવખત તેમાંથી ઘૂંટ ભરતા રહો.

કાકડી-ટમેટાનો ઠંડો સૂપ આ ઋતુમાં બહુ સારો પડે.

તેમ માર્ક કર્યું જ હશે કે ઉનાળામાં ડિહાઇડ્રેશનને કારણે મૂત્રવિસર્જન ઓછું થતું હોય છે. આવામાં, ચરબીયુક્ત ખોરાકના પાચનમાંથી જન્મેલી આડપેદાશો પેશાબ વાટે બહાર નીકળવાને બદલે ત્વચામાં પહોંચે છે, જે પરસેવા વાટે ઉત્સર્જન કરતું અંગ છે. તો, પછી થાય એવું કે તમને પરસેવો ખૂબ વળે અને તેને લીધે તમે ડિહાઈડ્રેટ થઈ જાવ. આ વિષચક્રમાંથી બચવા માટે અતિ તૈલી વાનગીઓ ટાળવી.

કેરી, કાંકડી, તરબૂચ, નારંગી, કોથમીર… આ બધા પર વધુ મારો રાખો.

દહીં ઝિંદાબાદ. એ તમારી ડાઈજેસ્ટિવ હેલ્થ સુધારે છે.

વજન ઉતારનારાઓએ આ સીઝનમાં સક્કરટેટી અને તરબૂચ ખાસ ખાવાં. તેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે છે અને તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોવાથી તે વેઇટ લોસ પ્રોગામમાં પણ સહાયક બને છે.

ડીપ ફ્રાઈડ વાનગીને બદલે સાંતળેલાં લીલાં શાકભાજી પર પસંદગી ઉતારો. એ પચવામાં હળવાં હોવાં ઉપરાંત તેમાંના પોષકતત્ત્વો, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને વિટામિન તમે રોગમુક્ત અને ર્સ્ફૂિતલા રાખશે.

ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ જરૂર કરતાં જરાય વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે પ્રોટીન પચવામાં ભારે હોય છે અને ગરમી-ડિહાયડ્રેશનને લીધે પ્રોટીનનો થોડોક પણ અતિરેક તમને બેચેની, અકળામણનો અનુભવ કરાવી શકે અને તમને ઉબકા આવી શકે.  રોજ કેટલું પ્રોટીન લેવું તે વિશે આટલું સાદું ગણિત યાદ રાખો. જેટલા કિલો તમારું વજન એટલા ગ્રામ રોજ પ્રોટીન લેવું. જો તમારું વજન ૬૦ કિલો હોય તો ઉનાળામાં તમારા માટે રોજનું ૬૦ ગ્રામ પ્રોટીન પૂરતું છે.

ટૂંકમાં, પાણી ખૂબ પીઓ, લીલાં શાકભાજી અને ફળો ખાવ, દહીં-છાસને ખોરાકમાં અચૂક સ્થાન આપો, શરબત પીવો, નાળિયેરનું પાણી પીઓ… આટલું કરવાથી તમે ઉનાળાનો મુકાબલો સારી રીતે કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઉનાળામાં ખાણી-પીણીમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો  appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/summer-eating-drink-in/
via Best Gujarati News