• સંવેદનાનું રાજકીયકરણ નહીં કરવાની તાકીદ સાથે સુરત કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • મૃતકોના પરિવારોએ એસપીજીના લાલજી પટેલ સાથે કરેલી રજૂઆતમાં ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો

૨૨ નિર્દોષ જિંદગીઓ ભરખી જનાર સુરત સરથાણાના તક્ષશિલા આર્કેડની આગ હોનારતમાં પોલીસ અને પ્રશાસન દ્વારા થઈ રહેલી કહેવાતી કાર્યવાહી સામે ગંભીર પ્રશ્નાર્થ કરતા એસપીજીના અગ્રણી લાલજી પટેલે મૃતકોના પરિવાર સાથે સુરત જિલ્લા કલેક્ટરને ગંભીર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૨૪ના રોજ બનેલી કરુણાંતિકાના પાંચમા દિવસે વહેલી સવારે સુરત આવેલા લાલજી પટેલે એસપીજીના સ્થાનિક આગેવાનો સાથે મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી.

પાંચ દિવસ દરમિયાન થયેલી સરકારી કાર્યવાહીથી હતાશ મૃતકોના પરિવારજનો સાથે તેમણે ન્યાયિક લડત વિશે પરામર્શ કર્યો હતો. ત્યારબાદ નક્કી થયા પ્રમાણે સાંજે ચાર વાગ્યાના સુમારે મૃતકોના પરિવારો સાથે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

જિલ્લા કલેક્ટરની અનઉપસ્થિતિ વચ્ચે નિવાસી અધિક કલેક્ટર એસ.ડી. વસાવાને મળી રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાઅપરાધ મનુષ્ય વધ જેવી ગંભીર કલમ અંતર્ગત ગુનો નોંધાયા બાદ જે પ્રકારે કાર્યવાહી ચાલી રહી છે તે ભોગ બનનાર પરિવારો માટે આઘાતજનક છે. મૃતકોના સ્વજનો પોતે ફરિયાદી બનવા તૈયાર છે.

તેમ કહેતા તેમણે ઘટના માટે ડીજીવીસીએલ અને મહાનગરપાલિકાના તમામ જવાબદાર અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેમણે વધુમાં આ સમગ્ર કેસ અગ્રીમતાના ધોરણે ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે જરૃરી દરમિયાનગીરી સરકાર કરે તેવી પણ માંગણી કરી હતી.

આ ઉપરાંત લાલજી પટેલે મૃતકોને શ્રદ્વાંજલિ અર્પણ કરવા સાથે આ દુઃખદ ઘટનામાં ભોગ બનનાર પરિવારોને ન્યાયના નામે વિરોધ પ્રદર્શન કે ધરણા જેવા કોઇપણ પ્રકારના રાજકીય સ્ટંટથી દૂર રહેવા સંગઠનના કાર્યકરોને સ્પષ્ટ સમજ આપી હતી.

તેમણે અત્યાર સુધી સીમિત રહેલી ક્લાસના સંચાલક અને બાંધકામ માફિયા વિરુદ્ધની કાર્યવાહી પરત્વે ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવા આવેલા રાજ્યના શહેરી વિકાસ સચિવ મુકેશ પૂરીએ રજૂ કરેલા તપાસના પ્રાથમિક અહેવાલ સામે પણ શંકા વ્યક્ત કરી હતી અને જરૃર પડે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી.

નાની માછલીઓ જ નહીં, મોટા મગરમચ્છો પણ પકડો : લાલજી પટેલ

તક્ષશિલા અગ્નિકાંડ પછી પાલિકાએ મોટાપાયે કામગીરીનો દેખાડો શરૃ કરી દીધો છે. કેટલાકને ચાર્જશીટ તો કેટલાકનો શો-કોઝ નોટિસ ફટકારી છે. ડીજીવીસીએલના પેટનું પાણી હજી હાલ્યું નથી. તેઓ મગરના આંસુ સારી રહ્યાં છે.

આ માનવર્સિજત અપરાધમાં એટલું જ કહેવાનું કે, ઉચ્ચ સ્થાને બેઠેલા જવાબદારો નાની માછલીઓને મારવાને બદલે મોટા મગરમચ્છો વિરુદ્ધ કાર્યવાહી કરે. નહિતર મજબૂરીવશ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અમે હાઇકોર્ટ અને જરૃર પડયે સુપ્રીમ કોર્ટ સુધી જઇશું. ૨૨ મૃતક બાળકોના પરિવારને આ જ અમારી સાચી શ્રદ્ધાંંજલિ હશે, એવું સરદાર પટેલ ગ્રૂપના આગેવાન લાલજી પટેલે જણાવ્યું હતું.

ન્યાયમાં વિલંબ પણ અન્યાય સમાન : નિલેશ આસોદરિયા

તક્ષશિલાની આગમાં ૨૨ વિદ્યાર્થીઓ નહીં ૨૨ પરિવારો સળગ્યા છે. જીવ બચાવવા ત્રીજા માળેથી છલાંગ મારનારી મારી બહેન ભગવતી આજે પણ આયુષ હોસ્પિટલમાં આઇસીયુમાં છે. આ માનવર્સિજત હોનારાત પાછળ સૌથી પહેલી જવાબદારી ડીજીવીસીએલની છે.

ઇમ્પેક્ટ ફીની અરજી મંજૂર કરનારા પાલિકાના તમામ અધિકારી અને કર્મચારીઓ આ અગ્નિકાંડમાં સરખે હિસ્સે જવાબદાર છે. તેમની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઇએ. તંત્રની લીપાપોટીથી ન્યાયમાં વિલંબ પણ અન્યાય સમાન જ હશે, એવું ભગવતી આસોદરિયાના પિતરાઇ ભાઇ નિલેશ આસોદરિયાએ જણાવ્યું હતું.

પાલિકા-વીજ કંપનીના જવાબદારો સામે પગલાં લો : રોહિત રોય

મારી પિતરાઇ બહેન રેન્સી ત્રીજા માળેથી કૂદી પડી હતી, હાથ અને પગે ફ્રેકચર થતા રેન્સીને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ ઘટનાથી તે એ હદે હેબતાઇ ગઇ હતી કે ગુમસુમ બની હોસ્પિટલમાં જ રડયા કરતી હતી અને ૩ દિવસ બાદ તેણે પરિવારજનો સાથે વાતચીત કરી હતી. આજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયો છે.

આ ઘટના માટે પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ જવાબદાર છે અને પોતાને બચાવવા તેઓ બીજા પર સમગ્ર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જે તદ્દન ખોટું છે. પાલિકા અને વીજ કંપનીના જવાબદારો સામે કડક એક્શન લેવાય તો મૃતકોને સાચો ન્યાય મળ્યો ગણાશે.

માત્ર સસ્પેન્ડ નહીં જેલ કરો : અનીલ કાકડિયા

આગ વખતે ત્રણ કલાક સ્થળ ઉપર ખડેપગે રહી ફસાયેલાઓને બહાર કાઢનારા અનિલ કાકડિયાએ કહ્યું કે, બિલ્ડિંગમાં ફસાયેલા વિદ્યાર્થીઓની બચાવો, બચાવોની નિર્દોષ ચીસો હજી પણ કાનમાં ગૂંજી રહી છે. ત્રણ દિવસથી રાતે ઊંઘી શક્યો નથી. એ ભયાનક દ્રશ્યો હજી પણ યાદ કરતા શરીર ધ્રૂજી ઊઠે છે. આ હત્યા છે.

માનવર્સિજત હત્યા છે. આ કોઇ કુદરતી હોનારત નથી. આથી જવાબદારોને માત્ર સસ્પેન્ડ નહીં જેલ કરો. એવી માંગણી છે. ડીજીવીસીએલને બપોરે જ ફરિયાદ કરી હતી. તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં લેવાયા અને બે કલાક બાદ આગ ભડકી ઉઠી હતી.

અમે નસીબને કોશીએ છે : સુભાષ વઘાસિયા

બાળક તો અમે ગુમાવ્યું છે, તંત્રે નહીં. અમે અમારા નસીબને કોશીએ છીએ. દોષી તો અમે પણ છીએ. અમે અમારા બાળકને આવા કંડમ સ્ટ્રકચરના કલાસિસમાં મોકલ્યું. તંત્રના અધિકારીઓ ભલે જવાબદારીમાંથી હાથ ખંખેરી લે. સરકારની આંખમાં ધૂળ નાંખી બચી જશો, પરંતુ ઇશ્વરના દરબારમાં આવા ગુનાની કોઇ માફી નથી.

જીઇબી અને પાલિકાના જવાબદારોને સજા થવી જોઇએ. બીજુ કે, આ તબક્કે અન્ય વાલીઓને પણ સંદેશના માધ્યમથી કહેવું છે કે, બાળકની જિંદગી બચાવવા કોચિંગ કલાસિસમાં શિક્ષણની ક્વોલિટી સાથે હવેથી બિલ્ડિંગની ગુણવત્તા પણ જોજો.

સંપૂર્ણ દોષ ડીજીવીસીએલ, પાલિકાનો : સંજય ખડેલા

મારી ભત્રીજી એશા રમેશભાઇ ખડેલાના દુઃખદ અવસાન સાથે જ પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. શુક્રવારનો તે દિવસ મને હંમેશા યાદ રહેશે. ડ્રેસ, દુપટ્ટો અને ચેઇન પરથી એશાની ઓળખ કરવી પડી એ અમારા પરિવાર માટે આઘાતજનક સાબિત થયંુ હતંુ.

બીજી બાજુ ઘટનાના ચાર દિવસ પછી પણ માત્ર ડોમ ઉતારવાની અને ફાયરસેફ્ટીની નોટિસ આપવાની ઉપરછલ્લી કામગીરી થઇ રહી છે. ડીજીવીસીએલ, ફાયરબ્રિગેડ અને પાલિકા ઘટનામાં સંપૂર્ણ દોષિત છે તેમ છતાં કોઇ પગલાં ભરાયા નથી. જવાબદાર ગુનેગારો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે.

મારી બહેનને ન્યાય અપાવો : શુભમ ખડેલા

મારી બહેન એશા ખડેલા શુક્રવારની આગમાં ભોગ બની હતી. હમણાં યુનિર્વિસટીમાં ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી હતી. છેલ્લા ૧૫ દિવસથી તક્ષશિલા આર્કેડમાં ટયૂશન ક્લાસિસમાં જતી ન હતી. પરંતુ એક દિવસ પહેલાં જ સરનો ફોન આવ્યો હતો, એટલે શુક્રવારે બપોરે ૧ વાગ્યે નક્કી કર્યા બાદ ૨ વાગ્યે ટયૂશન ગઇ હતી.

જોકે, ૪ વાગ્યે મમ્મીને ફોન કરીને જલ્દી આવવાની, આગ લાગી હોવાની આજીજી કરી હતી. ચાર દિવસથી કસૂરવારોને સજા અંગે નિર્ણય લેવાયો નથી. જો કસૂરવારોને સજા થશે તો જ મારી બહેનને ન્યાય મળશે.

 બહેનને હિંચકે ઝુલાવી તે જ હાથે અંતિમક્રિયા : કેવિન કેવડિયા

તક્ષશિલાની ઘટના માટે પાલિકા અને ડીજીવીસીએલ સૌથી પહેલી ગુનેગાર છે. બિલ્ડિંગ ગેરકાયદે હતંુ છતાં પાલિકાએ કોઇ પગલાં ભર્યા નહિ. ડીજીવીસીએલની ટીમે બિલ્ડિંગની લગોલગ ડીપી મૂકી હતી. આ ડીપીમાં ઓવરલોડિંગ થતું હતું તેમજ વારંવાર તણખાં પણ ઝરતા હતા.

વારંવાર ફરિયાદ પણ કરાઇ હતી છતાં ડીજીવીસીએલે કોઇ એક્શન નહિ લેતા આ હોનારત થઇ હતી. આ ઘટનામાં મારી નાની બહેન યશ્વી આગમાં સળગી જતા મૃત્યુ પામી છે. પાલિકા અને ડીજીવીસીએલના પાપે મારી બહેને જિંદગી ગુમાવવી પડી છે, જે હાથે નાની બહેનને હિંચકે ઝુલાવી હતી તે હાથે મારે બહેનની અંતિમક્રિયા કરવી પડી છે. મોટા ગુનેગાર પાલિકા અને ડીજીવીસીએલના અધિકારીઓ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતમાં 22 મૃતકોના પરિવારોએ બાંયો ચઢાવી, હત્યારાઓને સજા માટે આપી ચેતવણી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-in-the-families-of-22-dead-people-tied-the-knot-and-warned-the-killers-for-punishment/
via Best Gujarati News