સુપ્રીમ કોર્ટમાં પાવર કંપનીઓને ભારે રાહત મળી છે. મંગળવારે, કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના પરિપત્રને બરતરફ કર્યો હતો, જેમાં ડિફૉલ્ટ કંપનીઓને નાદારી પ્રક્રિયામાં મોકલવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. દેવાના વિવાદોના સમાધાન માટે કંપનીઓને 18૦ દિવસની મહેતલ આપતા ભારતીય રિઝર્વ બેન્કના 12મી ફેબ્રુઆરીના પરિપત્રને સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યો છે. અર્થતંત્રમાં સ્ટ્રેસ્ડ એસેટના સમાધાન માટે માર્ગ ખુલ્લો મૂકતા આરબીઆઈના આ પરિપત્રને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો છે.

રિઝર્વ બેન્કના પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોનની ચુકવણીમાં એક પણ દિવસનો વિલંબ થાય તો તેવા લોન ખાતાને સ્ટ્રેસ્ડ્ એકાઉન્ટ ગણવામાં આવે. રિઝર્વ બેન્કના પરિપત્રને પડકારતી સંખ્યાબંધ અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ જસ્ટિસ આર એફ નરિમાન અને જસ્ટિસ વિનીત સરણની બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. એક અખબારી અહેવાલ પ્રમાણે લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જવાના કારણે 75 કરતાં વધુ કંપનીઓ નાદારીની પ્રક્રિયાનો સામનો કરી રહી છે.

12મી ફેબ્રુઆરીના આરબીઆઈના આ પરિપત્રના કારણે ઘણી કંપનીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઉદ્યોગજગત અને સરકારે રિઝર્વ બેન્કના નિયંત્રણોમાં થોડી છૂટછાટ મળે તેવા પ્રયાસ કર્યા હતા અને અલાહાબાદ હાઇકોર્ટમાં પણ ધા નાખી હતી.

અલાહાબાદ હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે, સરકાર આરબીઆઇના આદેશમાં સુધારો કરવા માટે આરબીઆઈ એક્ટની કલમ 7નો ઉપયોગ કરી શકે છે. માર્ચ મહિનામાં આરબીઆઈએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, તે 2018ના આદેશ મુજબ સ્ટ્રેસ્ડ એેસેટ્સના ઉકેલ માટેના સુધારેલા માળખાના તમામ પાસાઓ મક્કમતાથી વળગી રહે છે. જેના પગલે એસ્સાર પાવર, જીએમઆર એનર્જી, કેએસકે એનર્જી, રતન ઈન્ડિયા પાવર, એસોસિયેશન ઓફ પાવર પ્રોડયૂસર્સ અને ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડયૂસર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી આરબીઆઈના પરિપત્રની બંધારણીય યોગ્યતાને પડકાર આપ્યો હતો.

શું હતો રિઝર્વ બેંકનો પરિપત્ર?

12 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જો લોનની ચુકવણીમાં એક પણ દિવસનો વિલંબ થાય તો તેવા લોન એકાઉન્ટને સ્ટ્રેસ્ડ એકાઉન્ટ ગણવામાં આવે. જો લોનધારક ડિફોલ્ટ થયાના 180 દિવસમાં વિવાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય તો બેન્કોએ રૂપિયા 2,૦૦૦ કરોડથી વધુની લોનના તમામ સ્ટ્રેસ્ડ એકાઉન્ટના કેસ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલને અથવા તો બેન્ક્રરપ્સી કોર્ટને સોંપી દેવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સુપ્રીમ કોર્ટમાં RBIનો 12 ફેબ્રુઆરીનો પરિપત્ર બરતરફ, આ કંપનીઓને મળી મોટી રાહત appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/supreme-court-sets-aside-rbi-12-feb-circular-on-stressed-assets/
via Best Gujarati News