વારાણસીમાં સસ્પેન્સ ખતમ, જાણો કોણ છે મોદી સામે ચૂંટણી લડતાં કોંગ્રેસનાં અજય રાય?
ઇલેકશન : વોર ઇઝ ઓન
સ્નેપ શોટ
દિગ્ગજ નેતાઓ જ્યાંથી ચૂંટણી લડતાં હોય છે તે બેઠક પર લગભગ સૌની નજર હોય છે. આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં રાજકારણમાં એવી વણલખી પ્રથા હતી કે જે તે પાર્ટીનાં દિગ્ગજ નેતા સામે બીજી પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી નહોતી લડતી. આવી બેઠકો પર માત્ર દેખાવ પૂરતી ચૂંટણી થતી. પાર્ટીઓનાં નેતાઓની સમજ હોય કે ગોઠવણ હોય બધાને એમ હતું કે દરેક પાર્ટીનાં કાબેલ નેતાઓ ચૂંટાઇને લોકસભામાં આવવા જોઇએ જેથી લોકસભામાં થતી ડિબેટનું ડેકોરમ જળવાઇ રહે.
દેશમાં ૧૯૭૫ની કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધી સામે રાજનારાયણની જીત થઇ ત્યારથી આ સિલસિલો બદલાયો અને દિગ્ગજ નેતાઓને પણ હરાવી શકાય છે તે પૂરવાર થયું. અત્યારનાં રાજકારણમાં તો રાજકીય પાર્ટીઓમાં એટલું ખુન્નસ હોય છે કે દરેક બેઠક પર જીત મેળવવી હોય છે અને દરેક સામેવાળા નેતાઓ હારવા જોઇએ તેવા ચોક્ઠાં ગોઠવાતાં હોય છે. રાજકારણમાં સમજણનો યુગ હવે ખતમ થઇ ગયો છે. હવે રાજકારણમાં માત્રને માત્ર ગોઠવણોનો જ સમય ચાલી રહ્યો છે.
ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉમેદવાર તરીકે ફરીવાર નામ જાહેર થયું ત્યારે સૌની મીટ હતી કે વડાપ્રધાન મોદી સામે વિપક્ષનો ઉમેદવાર કોણ હશે? કોંગ્રેસ તરફથી ધીમે રહીને પ્રિયંકા ગાંધીનું નામ વહેતું કરાયું હતું. છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસે આ સસ્પેન્સ બરકરાર રાખ્યું હતું.
દરમિયાન આજે જ્યારે વડાપ્રધાન મોદીએ ૬ કિલોમીટર લાંબી રેલી કાઢીને વારાણસીમાં પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે કોંગ્રેસે વારાણસીમાંથી અજય રાયને મોદી સામે મેદાનમાં ઊતાર્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી અજય રાય મોદી સામે ચૂંટણી લડયાં હતાં. અને ૭૫૦૦૦ મત મેળવીને ત્રીજા નંબરે રહ્યાં હતાં. બીજા નંબરે આપના અરવિંદ કેજરીવાલ હતાં.
૨૦૧૯માં લોકસભાનાં સાતમાં અને છેલ્લા તબક્કામાં ૧૯ મેએ વારાણસીની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાન મોદી સામે વારાણસીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. મોદી સામે કોંગ્રેસમાંથી અજય રાય અને સપા-બસપાનાં ગઠબંધનમાંથી સપાએ શાલિની યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે. વારાણસી લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. ૧૯૯૧ બાદ ૨૦૦૪ની ચૂંટણી સિવાય તમામ ચૂંટણીઓમાં વારાણસીમાંથી ભાજપનાં ઉમેદવાર વિજેતા થયાં છે.
જોકે ૨૦૦૯માં ભાજપનાં દિગ્ગજ નેતા મુરલીમનોહર જોષી આ બેઠક પરથી માત્ર ૧૭ હજાર મતોથી ચૂંટણી જીત્યા હતાં. ૨૦૧૪માં આખું ચિત્ર બદલાઇ ગયું હતું. વડાપ્રધાન મોદીની ઉમેદવારી વારાણસીની બેઠક પર થયાં બાદ વડાપ્રધાન મોદી ૩.૩૭ મતોની જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા હતાં.
વારાણસીમાં મોદી સામે કોંગ્રેસ જે અજય રાયને ચૂંટણી લડાવી રહી છે તે યુપીના બાહુબલી નેતા છે. યુપી વિધાનસભામાં પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અજય રાયનો ગુનાહિત ઇતિહાસ યુપીના પોલીસ મથકોમાં ચિતરાયેલો પડયો છે. અજય રાય માફિયા ડોન બ્રિજેસિંગની ગેંગ સાથે જોડાયેલાં હતાં. તેમની સામે ચેતગંજ પોલીસ સ્ટેશનમાં ઘણાં બધાં ગુના નોંધાયેલા છે. અજય રાયના મોટા ભાઇ અવધેશ રાયની ગોળી મારીને વારાણસીમાં ૧૯૯૪માં જ્યારે હત્યા કરાઇ હતી.
આ હત્યા પાછળ માફિયા ડોન મુખ્તાર અન્સારીનું નામ ચમક્યું હતું. મુખ્તાર અન્સારી એ યુપીનાં ગાજીપુરમાંથી અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય હતાં. મુખ્તાર અન્સારી સામે ભાજપનાં ધારાસભ્ય ક્રિષ્નાનંદ રાયની હત્યાનો ગુનો નોંધાયેલો છે. મુખ્તાર સામે ૨૮ ગુના નોંધાયેલા છે જેમાં ૧૨ તો હત્યાનાં છે.
૨૯ નવેમ્બર ૨૦૦૫નાં રોજ ધારાસભ્ય ક્રિષ્નાનંદ રાય અને તેમનાં સાત ટેકેદારોને મુખ્તાર અન્સારીનાં ગુંડાઓએ ગાજીપુરમાં ધોળે દિવસે હત્યા કરી હતી. આવા ડોન મુખ્તાર અન્સારીએ જ્યારે અજય રાયના ભાઇની હત્યા કરી ત્યારે અજય રાય યુપીનો બીજો મોટો ડોન બ્રિજેશસિંગની ગેંગમાં જોડાઇ ગયાં હતાં. અજય રાય પર વારાણસીનાં પૂર્વ ડેપ્યૂટી મેયર અનિલ સિંગ પર ગોળીબાર કરવાનો આરોપ ૧૯૯૦માં લાગ્યો હતો.
આવા બાહુબલીની છાપ ધરાવતાં અજય રાય આજે ભાજપનાં વડાપ્રધાન સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ હકીકત એ છે કે અજય રાયનું મૂળ ગોત્ર ભાજપનું જ છે. ૧૯૯૬માં કોલસલા વિધાનસભામાંથી ભાજપની ટિકિટ પર અજય રાય ચૂંટણી જીત્યા હતાં. ત્યારબાદ સતત બે ટર્મ ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણી પણ ભાજપની ટિકિટ પરથી અજય રાય જીત્યા હતાં. ૨૦૦૭માં અજય રાય માટે એવી વાત શરૂ થઇ હતી કે તેઓ સમાજવાદી પાર્ટી જોઇન કરવાના છે.
ત્યારે અજય રાયે એવું નિવેદન આપ્યું હતું કે યુપીમાં જે કાંઇ ગરબડો છે તે માટે જવાબદાર સમાજવાદી પાર્ટી છે એટલે હું કોઇ દિવસ સમાજવાદી પાર્ટીમાં જોડાવાનો નથી. જો કે ૨૦૦૯માં જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપે અજય રાયને વારાણસીની બેઠક આપવાનો ઇનકાર કર્યો અને વારાણસીની બેઠક ભાજપે મુરલી મનોહર જોષીને આપી ત્યારે અજય રાયે ભાજપમાંથી બળવો પોકાર્યો હતો.
એમએલએ તરીકે રાજીનામું આપીને અજય રાયે સમાજવાદી પાર્ટી જોઇન કરી લીધી. અજય રાય સમાજવાદી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી ભાજપનાં મુરલી મનોહર જોષી સામે લડયાં હતાં. આ ચૂંટણીમાં અજય રાયનાં હરીફ ડોન મુખ્તાર અન્સારી પણ ઊભા રહી ગયાં હતાં. એટલે આખરે મુખ્તાર અન્સારીને હરાવવા અજય રાયના સપોર્ટરોએ મુરલી મનોહર જોષી માટે પ્રચાર કર્યો હતો અને આ ચૂંટણી મુરલી મનોહર જોષી પાતળી બહુમતીથી જીતી ગયા હતાં. જ્યારે અજય રાય ત્રીજા નંબરે રહ્યાં હતા.
૨૦૦૯ની લોકસભાની ચૂંટણી હાર્યા બાદ અજય રાય અપક્ષ ઉમેદવાર તરીકે કોલસલાની વિધાનસભાની પેટાચૂંટણીમાં ફરી ઝંપલાવ્યું હતું અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ગયાં હતાં. અજય રાય ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પિંડરા વિધાનસભામાંથી લડયા હતાં અને આ ચૂંટણી પણ જીતી ગયા હતાં. જો કે ત્યાર બાદ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વારાણસીની બેઠક પરથી અને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પિંડરા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે અજય રાય લડી અને બંને ચૂંટણી હારી ગયાં હતાં. આવા હરફન મૌલા બાહુબલી ઉમેદવારની ફરી એક વાર કોંગ્રેસે પસંદગી કરીને વડાપ્રધાન મોદી સામે વારાણસીમાંથી ઊભા કરી દીધાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વારાણસીમાં સસ્પેન્સ ખતમ, જાણો કોણ છે મોદી સામે ચૂંટણી લડતાં કોંગ્રેસનાં અજય રાય? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/who-is-ajay-rai-the-man-congress-has-fielded-against-pm-modi-in-varanasi/
via Best Gujarati News
0 Comments