। સુરત । ચેતન બાંભણીયા

આજે સુરતમાં કોંગ્રેસની હાલત ખૂબ પાતળી છે, પરંતુ, ઝીણાભાઇ દરજીએ પ્રથમવાર ખામ થિયરીનો પ્રયોગ સુરતમાં ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં કર્યો હતો. પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના અજેય કિલ્લાને સી.ડી. પટેલ નામના તરવરિયા યુવાને ભેદી દીધો હતો. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી અશોક મહેતાને સી.ડી. પટેલે ૨૬ હજારની લીડથી હરાવ્યા હતા.

ચૂંટણીમાં જનતા ભલભલા ચમરબંધી નેતાને ઘરે બેસાડે છે. વર્ષ ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ મોરારજી દેસાઇએ ઉંમરને કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી, જનતા પાર્ટી મોરારજીભાઇનો ગઢ સાચવવા મજબૂત ઉમેદવારની શોધમાં હતી. આ શોધ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી અશોક મહેતા પર આવીને પૂર્ણ થઈ હતી. કટોકટી બાદ જનતા સરકારની નિષ્ફળતાને કારણે લોકો મોરારજી દેસાઈથી નારાજ હતા. ૧૯૬૨થી ૧૯૭૭ સુધી મોરારજી દેસાઇએ સુરત સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેથી, જનતા પાર્ટીના નેતાઓને આરામથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ હતો. અશોક મહેતા સામે કાંગ્રેસે કોળી પટેલ સમાજના યુવા ઉમેદવાર સી.ડી. પટેલને ટિકિટ આપી હતી.

અશોક મહેતાએ કોટ્સફિલ રોડ પર સભા યોજી હતી. ડી.કે.એમ. હોસ્પિટલથી ભાગળ ચાર રસ્તા સુધી લોકોની ભીડ હતી. ભીડ જોઈને જનતા પાર્ટીના નેતાઓ ગેલમાં આવી ગયા હતા. કોંગ્રેસ છાવણીમાં ચૂંટણી જીતવાની ચિંતા હતી. સેફોલોજિસ્ટ ઝીણાભાઈ દરજીએ ચૂંટણીમાં ખામ થિયરી અપનાવી હતી. તેમણે કોંગ્રેસમાં કોળી પટેલ ઉપરાંત ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમોનું કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું હતું. એ સમયે સુરત બેઠકમાં નવસારી અને જલાલપોરના કાંઠા વિસ્તારનો સમાવેશ થતો હતો. ઝીણાભાઈએ સી.ડી. પટેલની ૨૫ હજાર મતથી જીતની આગાહી કરી હતી. ચૂંટણી પરિણામમાં દિવસે સી.ડી. પટેલે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી અશોક મહેતાને ૨૬,૬૬૧ મતથી હરાવીને જાયન્ટ કિલર બન્યા હતા. જનતા પાર્ટીના પૂર્વ નેતા નટુભાઇ પટેલના જણાવ્યા અનુસાર સુરતમાં ખામ થિયરી સફળ જતા કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતવા આખા ગુજરાતમાં અપનાવી હતી. ૧૯૮૫માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની  ચૂંટણીમાં કોંગ્રેસે ૧૮૨માંથી ૧૪૯ બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. જેમાં ખામ થિયરીનો મુખ્ય ફાળો હતો. ૧૯૮૯માં હિંદુત્વની લહેરમાં ખામ થિયરી ખોવાઈ જતા કાશીરામ રાણાએ ૧.૯૪ લાખ મતે વિજય મેળવ્યો હતો. ત્યારથી આજદિન સુધી સુરત સીટ પર કોંગ્રેસની હાર થઇ છે. ૧૯૮૯થી સતત આઠ ટર્મ સુરત બેઠક પરથી ભાજપે વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ખામ થિયરી અપ્રસ્તુત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ખામ થિયરીનો પહેલો પ્રયોગ ઝીણાભાઈએ સુરતમાં મોરારજી દેસાઈના ગઢમાં કર્યો હતો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/first-use-of-fault-theory/
via Best Gujarati News