કવર સ્ટોરી :- અમિતા મહેતા

ચૂંટણીનાં ઢોલ-નગારાં જોરશોરથી વાગી રહ્યાં છે. આવામાં આપણે શાંતિપૂર્વક વિચારવા જેવી કેટલીક બાબતો એ છે કે મહિલાઓ માટે બેઠકો અનામત હોવી જોઈએ કે નહીં? જ્ઞાતિના ઉમેદવારને મત અપાય કે નહીં? અચ્છે દિન કોને કહેવાય? સ્ત્રી-સુરક્ષાના મામલે સરકારે શું  કરવું જોઈએ? લોન-માફી અને ખાતામાં સીધા પૈસા જમા કરવાની યોજનાઓ ઇચ્છનીય છે કે નહીં? મતના મામલે ઘરના પુરુષના મત સાથે સહમત થવું જરૂરી ખરું? આ બધા મુદ્દે થયેલા સર્વેક્ષણમાં બહુ રસપ્રદ જવાબો મળ્યા, જેનો સાર એ હતો કે હવે રાજકીય બાબતોમાં નારીને આસાનીથી ભોળવી શકાતી નથી.

ચૂંટણીની ગતિવિધિઓ અંગે અનેક મેગેઝિન્સ, ટી.વી. ચેનલો અને મીડિયા હાઉસે જાત-જાતનાં સર્વે કર્યા છે. એમાં એક સર્વે મહિલા મતદારો અંગે પણ થયો છે. એનો આધાર લઇને અમે સમાજની મહિલાઓને કેટલાક પ્રશ્નો પૂછયા.

સામાન્ય રીતે તેઓ ચૂંટણીમાં પક્ષ કે ચહેરો જોઇને મત આપે છે. પરંતુ ૩૭ ટકા મહિલાઓ મત આપતી વખતે પાર્ટી અને ચહેરો બંને ધ્યાનમાં રાખે છે. જ્યારે ૨૫ ટકા પાર્ટી, ૧૮ ટકા ચહેરો અને ૨૦ ટકા સ્થાનિક ઉમેદવારોને ધ્યાનમાં રાખે છે. પ્રોફેસર રીમા દેસાઇ આ અંગે કહે છે કે માત્ર ચહેરો જોઇને તો આપણે કોઇને નોકરીએ પણ નથી રાખતા. આ તો આખા દેશનું સુકાન સોંપવાની વાત છે. એમની કાર્યશૈલી, પ્રજા અને દેશહિત માટે કરેલાં કામો તથા પક્ષની પોલિસી બધું ધ્યાનમાં રાખવું જોઇએ. કારણ કે ફક્ત નેતા મજબુત હોય, પરંતુ પક્ષની નીતિ પ્રજાલક્ષી ન હોય તો એકલો નેતા કશું નક્કર ન કરી શકે. છતાં, એટલું કહી શકાય કે પ્રભાવી ચહેરાનું રાજકારણમાં અલગ મહત્ત્વ તો  હોય જ છે.

મહિલાઓ માટે એવી માન્યતા છે કે તેઓ પતિ કે પિતાના પ્રભાવમાં આવીને મત આપે છે. પરંતુ સર્વેક્ષણમાં ૮૪ ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ કોઇના પણ પ્રભાવમાં આવીને વોટિંગ નથી કરતી. મારો મત એ મારો નિર્ણય છે. ૬ ટકા મહિલાઓ પરિવાર અને મિત્રો, ૫ ટકા સોશિયલ મીડિયા અને ૫ ટકા નેતાઓનાં ભાષણો અને ઘોષણાપત્રો જોઇને વોટ આપે છે અને આ માટે તેઓ પરિવાર આગળ જૂઠું પણ બોલે છે. ગ્રામ્ય ગૃહિણી રીટા પટેલ કહે છે કે પહેલાં મારા પતિ કહે એ નેતાને હું વોટ આપતી પરંતુ હવે હું ન્યૂઝ જોઉ છું. ક્યા નેતા અને કઇ પાર્ટી કેવાં કામો કરે છે એની મને ખબર છે તો હું શા માટે કોઇ કહે એ વ્યક્તિને મત આપુ? જોકે શહેરી મહિલાઓની સરખામણીએ ગ્રામ્ય મહિલાઓમાં પરિવારની ઇચ્છા મુજબ મત આપતી ટકાવારી વધારે છે અને શહેરી મહિલાઓ તો આ અંગે પતિ સાથે ઝઘડો થાય એવી દલીલોમાં પણ ઉતરે છે. મતલબ કે મહિલાઓ પોતાના મત માટેના મત અને હક્ક અંગે વધુ જાગૃત બની છે.

સમગ્ર દેશનું રાજકારણ જ્ઞાતિ-જાતિ પર આધારિત છે. જ્યાં જે જ્ઞાતિનાં લોકો વધારે હોય એ જ્ઞાતિનો ઉમેદવાર લાયકાત હોય કે ન હોય પણ ચૂંટાય છે. શું જ્ઞાતિનાં આધારે વોટ આપવો જોઇએ ? એવા પ્રશ્નના જવાબમાં ૪૦ ટકા મહિલાઓ હા પાડે છે. નાત-જાતનાં ભેદભાવ એ આપણાં લોહીમાં છે. મારી જ્ઞાતિનો નેતા હોય તો એ અમારા સમાજ માટે તો કામ કરશે જ, અને પોતાના લોકો આગળ આવે એવી ઇચ્છા માનવ-સહજ છે એવું જણાવતાં કુસુમ ભંડારી જે ગ્રામીણ બેંકમાં ઓફ્સિર છે તે ઉમેરે છે કે જ્ઞાતિનો નેતા અપરાધી ન હોય તો સ્વભાવિક રીતે હું એને વોટ આપું. મને એમાં કશું ખોટું નથી લાગતું.

૩૦ ટકા મહિલાઓ એવું માને છે કે જ્ઞાતિના આધારે નહીં પરંતુ ઉમેદવારની યોગ્યતાને આધારે મત આપવો જોઇએ. માત્ર પોતાના સમાજનું નહીં આખા રાષ્ટ્રનું વિચારી શકે એને જ નેતા તરીકે પસંદ કરાય. જ્યારે બાકીની ૩૦ ટકા મહિલાઓ આ અંગે સ્પષ્ટ નથી.

છેલ્લા ૨૦ વર્ષથી રાજકારણમાં મહિલા અનામતનો મુદ્દો ખોરંભે ચડેલો છે. આ મુદ્દે નેતાઓ માત્ર કાગારોળ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ૪૦ ટકા જેટલી જ મહિલાઓ ઇચ્છે છે કે રાજકારણમાં મહિલાઓ માટે અનામત બેઠકો હોવી જોઇએ. ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ રાજકારણમાં સક્રિય બની છે એ માત્ર ને માત્ર મહિલા અનામતને કારણે બની છે. આજે અનેક મહિલા સરપંચોએ ગામડાંની કાયાપલટ કરી છે. અન્ય ક્ષેત્રમાં આગળ આવવા માટે મહિલાઓને જેટલી છૂટ મળે છે એટલી છૂટ રાજકારણમાં પ્રવેશ માટે નથી મળતી. તેથી અનામત જરૂરી છે. જ્યારે અન્ય ૬૦ ટકા મહિલાઓ સ્પષ્ટપણે માને છે કે પરિવારનો સપોર્ટ હોય તો મહિલાઓ વગર અનામતે પણ રાજકારણમાં પ્રવેશી શકે. એકબાજુ આપણે સ્ત્રી સ્વતંત્રતા, સ્ત્રી મુક્તિ અને સમાનતાની વાત કરીએ અને બીજી બાજુ અનામતની ભીખ માંગીએ એ બિલકુલ યોગ્ય નથી. આજે ૮૦ ટકા સ્ત્રીઓને શિક્ષણ મળે છે. પુરુષોનાં ગણાતાં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓની ટકાવારી વગર અનામતે વધી છે તો પછી રાજકારણમાં અનામત શા માટે ? સ્ત્રીઓ પોતાનાં બળે આગળ આવી શકે એટલી સક્ષમ બની જ છે એમાં બે મત નથી…

ચૂંટણીમાં દરેક પક્ષ સારા દિવસ આવશે એવાં સપનાં બતાવે છે. જેમ દરેક પક્ષની અચ્છે દિનની વ્યાખ્યા અલગ છે એમ દરેક સ્ત્રીઓની અચ્છે દિનની વ્યાખ્યા અલગ છે. જો કે અડધાથી વધુ સ્ત્રીઓ એમ માને છે કે મોંઘવારી ઘટવી અને રોજગારી વધવી એ સારા દિવસોનું પ્રથમ લક્ષણ છે, કારણ કે આ બે બાબત લોકોનાં સુખ-દુઃખને સૌથી વધારે અસર કરે છે. તેઓ ખાતરીથી માને છે કે આર્થિક સલામતી હશે તો જ લોકો અન્ય પ્રશ્નો કે વિષયો વિશે વિચારી શકશે. અમુક સ્ત્રીઓ ભ્રષ્ટાચાર નાબૂદી ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રનો ભ્રષ્ટાચાર ખત્મ થાય તો સારા દિવસ આવશે એવું માને છે. કેટલીક સ્વપ્નશીલ સ્ત્રીઓ સિંગાપુર કે દુબઇ જેવા ઇન્ફસ્ટ્રક્ચરને વિકાસની નિશાની માને છે. જો કે સૌથી સરસ વાત કોલેજમાં ભણતી નેન્સી પંજાબીએ કરી. તે કહે છે કે અચ્છે દિન માત્ર ગર્વમેન્ટ ન લાવી શકે. એ સરકાર અને પ્રજાનો સહિયારો પ્રયાસ જ લાવી શકે. ગંદકી, પર્યાવરણ અને જાહેર મિલકતોને નુકસાન, ભ્રષ્ટચાર અને લાંચરૂશ્વત, વીજળી-પાણીનો બેફમ વપરાશ વગેરે અંગે પ્રજા જાગૃત બને તો અડધી સમસ્યાઓ આપોઆપ હળવી બને. આઝાદીનાં ૭૦ વર્ષ પછી સ્વચ્છતા, શૌચાલય, શિક્ષણ કે બેટી બચાવો અંગે અભિયાન ચલાવવું પડે એ નેતા કે સરકારની નહીં પરંતુ પ્રજા તરીકેની આપણી નિષ્ફ્ળતા છે. આપણાંમાંથી જ કોઇ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરે છે અને ઉરી જેવા હુમલાઓ થાય છે. જેમ જાતે મર્યા વિના સ્વર્ગે ન જવાય એમ જાતે સુધર્યા વિના અચ્છે દિન નહીં આવે…

એક-બે મહિલાઓએ તો ત્યાં સુધી કહ્યું કે સ્ત્રીઓની સુરક્ષા માટે સરકાર કડક કાયદા બનાવે કે સલામતી વધારે એ જરૂરી છે પરંતુ જ્યાં સુધી સમાજમાં ફ્રતા વરૂઓની સ્ત્રીઓ માટેની માનસિકતા ન બદલાય ત્યાં સુધી સરકારના પ્રયાસોનું સાર્થક પરિણામ નહીં જ આવે.

અલબત, સ્ત્રીઓ એવું ઇચ્છે છે કે સ્ત્રીઓ સાથે થતાં ધાર્મિક ભેદભાવ, વેતનમાં અસમાનતા, ઓનર કીલીંગ કે નોકરીમાં સમાન તક જેવા મુદ્દાઓ અંગે સરકારે જાગૃત બનવું જોઇએ. સરકારે વૃધ્ધો માટે અસરકાર પેન્શન યોજના બનાવી એનો તાત્કાલિક ધોરણે અમલ કરવો જોઇએ.

બીજી બાજુ મહિલાઓ વિકાસના મુદ્દાને સ્વીકારે છે પરંતુ રામમંદિર એમનાં માટે પ્રાયોરીટી નથી. તેઓ સ્પષ્ટપણે કહે છે કે ધર્મને નામે લડવાનું હવે બંધ થવું જોઇએ. રામમંદિર બનવાથી શું કોઇના ઘરે ઓલવાયેલો ચૂલો સળગી શકશે? લાખો ભૂખ્યા બાળકોની ભૂખ સંતોષાઇ જશે? ના, તો પછી લોકોનાં હિતમાં નિર્ણય લેવો જોઇએ. સરકારની લોન-માફી અને ખાતામાં પૈસા જમા કરાવવાની વાતની હાંસી ઉડાવતા એક એન્જિયરીંગ સ્ટુડન્ટ સ્વીટી જૈન કહે છે કે આપણી વસતી, ભૌગોલિક અને સામાજિક સ્થિતિ તથા લોકોની મફ્તમાં મેળવવાની વૃત્તિને કારણે આવી લાલચો દેશને દેવામાં ડૂબાડી દેશે. કોઇને મફ્તનું ખાવાની ટેવ પાડવાને બદલે સ્વમાનથી કામ કરીને જીવી શકે એવી માળખાકીય સુવિધા પૂરી પાડવી જોઇએ. નેતાઓ જનતાને મૂર્ખ માનીને દિવસે તારા બતાવવાની વાત કરે છે પણ પ્રજા હવે ભોળવાય એમ નથી.

મહિલાઓ જે રીતે લોજીકલી વિચારે છે એ જોતાં એવું લાગે છે કે મહિલાઓ રાજકીય રીતે ધીરે-ધીરે પરિપકવ બની રહી છે અને તેઓ રાજકીય પક્ષોનાં જૂઠાણેથી ભોળવાય એવી નથી રહી!

amitamehta11@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાજકારણ વિશે મહિલાઓ શું વિચારે છે? appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/politics-about-women-what-to-be/
via Best Gujarati News