સિનેમેટિક : એમ. એ. ખાન

કહે છે કે પ્રેમની લાગણી વગર આ જગતમાં કોઈ ઘટના બનતી નથી. એટલે હિન્દી ફિલ્મોમાં પણ પ્રેમની લાગણી અચૂક બતાવવામાં આવે છે. બે હરીફો, બે દુશ્મનો વચ્ચેની રસાકસી હોય કે કોઈ અસાધારણ અકસ્માત, આફત કે ઘટનાની વાત હોય તો પણ એમાં કોઈ બે-ત્રણ પાત્રો વચ્ચે પ્રેમની લાગણી જરૂર દર્શાવવામાં આવે છે.

પ્રેમની આ લાગણીને વધારે રસાકસીભરી બનાવવા માટે વળી એમાં ત્રીજા પાત્રનો તડકો લગાવીને પ્રણય ત્રિકોણ સર્જવામાં આવે છે. પ્રણય ત્રિકોણ એટલે કે ત્રણ પાત્રો વચ્ચેનો પ્રણય. બે યુવતીઓ એક જ યુવાનના પ્રેમમાં પડે, બે યુવાનો એક જ યુવતીના પ્રેમમાં પડે અથવા યુવક કોઈ યુવતીને પ્રેમ કરતો હોય અને એ યુવતી કોઈ બીજા જ યુવકને પ્રેમ કરતી હોય અથવા યુવતી કોઈ યુવકના પ્રેમમાં પડે અને યુવક કોઈ બીજી જ યુવતીને દિલોજાનથી ચાહતો હોય!

પ્રયણ ત્રિકોણના આ ચાર મૂળભૂત પ્લોટમાં પણ અનેક વેરાઈટી નાંખી દેવામાં આવે છે. જેમ કે બે યુવાનો એક જ યુવતીને ચાહતા હોય પછી અચાનક બેમાંથી એક યુવાનને ખબર પડે કે બીજો યુવાન પણ એ જ યુવતીને ચાહે છે, તો એ પોતાના પ્રેમનું બલિદાન આપીને બીજા યુવાનનો પ્રેમ સફળ થવા દે. અથવા યુવાનને ખબર પડે કે બીજો યુવાન પણ એ જ યુવતીને ચાહે છે કે તો એ યેનકેન પ્રકારેણ બીજા યુવાનનું પત્તું કાપીને પોતાની પ્રેમકથા સફળ બનાવવા મહેનત કરે.

આવું જ બે યુવતીઓ વચ્ચે પણ બતાવવામાં આવે છે. આવા પ્લોટમાં વધારે રસાકસી ઉમેરવા માટે બે મિત્રો એક જ યુવતીના પ્રેમમાં પડે અથવા બે સખીઓ એક જ યુવકને પ્રેમ કરવા લાગે એવો પ્લોટ બનાવવામાં આવે છે. તમે જોયેલી કોઈપણ ફિલ્મ યાદ કરી જુઓ, એમાં આ છ પ્રકારની પ્રેમકથામાંથી કોઈ એક પ્રેમકથા જરૂર વણાયેલી હશે. બધા ફિલ્મસર્જકોએ સ્વીકાર્યું છે કે ફિલ્મો પ્રેમકથાના ટ્રેકને કારણે વધારે રસપ્રદ બને છે અને સફળ થવાની શક્યતા વધારી આપે છે. બસ! આજ વાત સાચી છે.

મુગલ-એ-આઝમ, લયલામજનુ, શિરી ફરહાદ, લવસ્ટોરી, તેરે મેરે પ્યારમેં, ગાઈડ, મૈંને પ્યાર કિયા, સોચા ન થા, વેક અપ સિડ, જાને તુ યા જાને ના, જબ વી મેટ, પ્યાર તો હોના હી થા, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે, વીરઝારા, લંચબોક્સ, રહેના હૈ તેરે દિલ મેં, દમ લગા કે હઈસા, બેન્ડ બાજા બારાત, ટુ સ્ટેટ્સ, બ્રેક અપ કે બાદ, શુદ્ધ દેસી રોમાન્સ, બરેલી કી બરફી, સલામ નમસ્તે, લવ આજકલ, હમ તુમ વગેરે ફિલ્મોમાં પ્રેમનો જ ટ્રેક મુખ્ય હતો. હીરો અને હિરોઈન એકબીજાના પ્રેમમાં છે, પરંતુ સંજોગો તથા અણસમજના કારણે એમનો પ્રેમ સાકાર થઈ શકતો નથી. પ્રેમ સાકાર થશે કે નહીં એની અવઢવમાં રાખીને ફિલ્મ આપણને અંત સુધી લઈ જાય છે.

માત્ર હીરો-હિરોઈનના પ્રેમની રસાકસી બતાવતી ફિલ્મોમાં જો સર્જક સિદ્ધહસ્ત ન હોય તો ફિલ્મ પીટાઈ જાય છે. હા, જ્યાં પ્રણય ત્રિકોણ મૂળ ટ્રેકને રસપ્રદ બનાવવા ઉમેરણ તરીકે મૂકવામાં આવે ત્યારે ફિલ્મ અચૂક સફળ થઈ જાય છે. એમાં અપવાદ છે, વર્ષો જૂની અને ફરીફરીને બનતી રહેલી દેવદાસ. આ ફિલ્મની કથામાં દેવદાસ પારોને ચાહવાનું છોડી શકતો નથી અને અભિમાન પણ ત્યાગી શકતો નથી. પારો અભિમાનથી ઘવાયા પછી બીજે લગ્ન કરી લે એ પછી લગ્નની પવિત્રતા જાળવવા મજબૂર હોય છે. દેવદાસના સંપર્કમાં આવતી તવાયફ ચન્દ્રમુખી દેવદાસને દિલથી ચાહે છે, પરંતુ દેવદાસ એનો થઈ શકતો નથી.

આવી જ બીજી ફિલ્મ હતી ૧૯૮૧ની સિલસિલા. અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાઈની ગર્ભવતી પત્ની અને પરિવારની આબરૂ બચાવવા નાના ભાઈએ પોતાના પ્રેમ (રેખા)ને છોડીને મોટાભાઈની વાગદત્તા (જયા ભાદુરી) સાથે લગ્ન કરવા પડે. એ પ્રેમને ભૂલી શકતો અને પત્નીની મર્યાદા તોડી શકતો નથી. રેખા પ્રેમીને ભૂલવા તૈયાર થતી નથી.

સિલસિલાના આઠ વર્ષ પછી ૧૯૮૯માં આવેલી ફિલ્મ ચાંદનીમાં પ્રેમી (રિશી કપૂર)અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે એમ માની એને ભૂલવા નવા શહેરમાં નવું જીવન જીવતી ચાંદની (શ્રીદેવી) એના બોસ (વિનોદ ખન્ના)ના પ્રેમનો પ્રસાદ આપવાની તૈયારીમાં હોય છે કે અચાનક રિશી કપૂર પાછો પ્રગટ થાય છે. એ અકસ્માતમાં મૃત્યુ પામ્યો નથી! પછી જૂના પ્રેમી માટે નવા પ્રેમીએ પોતાના પ્રેમનું બલિદાન આપવું પડે. આવી જ વાર્તા ૧૯૬૪માં આવેલી રાજ કપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજ્યંતિમાલાને ચમકાવતી ફિલ્મ સંગમમાં પણ હતી.

દિલ તો પાગલ હૈ, જુદાઈ, કુછ કુછ હોતા હૈ, લગાન, કોકટેલ, બરફી, જબ તક હૈ જાન, બાજીરાવ મસ્તાની અને ઝુબૈદા વગેરે ફિલ્મોમાં બે મહિલાઓ વચ્ચે એક હીરોની વાત હતી તો હમ દિલ દે ચૂકે સનમ, ધડકન, ડર, તાલ, રહના હૈ તેરે દિલ મેં, કલ હો ન હો, દોસ્તાના, ન્યૂયોર્ક, ઈશ્કિયાં, તનુ વેડ્સ મનુ અને રાંઝણા જેવી ફિલ્મોમાં બે યુવાનોના પ્રેમ વચ્ચે અટવાતી હિરોઈનની વાત હતી. આ બધી ફિલ્મોમાં પ્રણય ત્રિકોણ જ ફિલ્મનો મુખ્ય પ્રવાહ હતો! બધી જ ફિલ્મો સુપરહિટ થઈ હતી.

makhan.cc@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રણય ત્રિકોણ હિન્દી ફિલ્મો માટે અનિવાર્ય છે? appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/love-triangle-hindi-phil/
via Best Gujarati News