ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલીવાર શુક્રવારે રાતે અમદાવાદ આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતુ. ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલશે.

અમદાવાદમાં નારાણપુરામાં સરદાર પટેલના બાવલેથી શનિવારે સવારે ૯-૩૦ ક્લાકે રોડ-શો શરૂ થશે. ઘાટલોડિયામાં પ્રભાત ચોક- પાટીદાર ચોક થઈને બપોરે ૧૨-૩૦ કલાક સુધી યોજનારા રોડ-શોમાં અનેકવિધ જ્ઞા।તિ-સમાજ અને વિવિધક્ષેત્રોના આગેવાનો અમિત શાહને શુભેચ્છા સર્મથન આપશે.

ત્રણ કલાકના રોડ શોમાં ગૃહમંત્રી રાજેન્દ્રસિંહ, શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે, અકાલીદળના પ્રકાશસિંહ બાદલ સહિતના એનડીએ ઘટકપક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સહિત રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના હોદ્દેદારો જોડાશે. અમદાવાદના રોડ-શોથી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા ગાંધીનગર જશે. જ્યાં ભાજપના કાર્યકરો માનવસાંકળ રચી સ્વાગત કરશે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી અમિત શાહ ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

૭ સીટ પર ટિકિટો જાહેર ન થતા બધા ઉમેદવાર જોડાશે નહી

ગાંધીનગર બેઠક માટે અમિત શાહના ઉમેદવારી ફોર્મ ભરતીવેળાએ યોજાનારા રોડ- શોમાં ગુજરાત લોકસભાના ૨૬ ઉમેદવારો પણ હાજર રહેશે એમ જાહેર કરવામાં આવ્યુ હતુ. રાજ્યની ૭ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત બાકી છે. આથી તમામ ઉમેદવારોને બદલે માત્ર અમદાવાદ- ગાંધીનગરના ધારાસભ્યો અને લોકસભાના ઉમેદવારો, સાંસદો તેમાં જોડાશે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, તમામ ઉમેદવારોને સાથે રાખવાનું નક્કી કર્યુ હતુ. હવે તેમાં ફેરફાર કર્યો છે. અમિતભાઈની સાથે અન્ય બેઠકો ઉપર શનિવારે ભાજપના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે. જ્યાં ઉમેદવારો જાહેર નથી થયા ત્યાં ટૂંક સમયમાં દિલ્હીથી નામની જાહેરાત કરવામાં આવશે.

અમિત શાહના રોડ-શોમાં ૨,૫૦૦ પોલીસોનો કાફલો

અમદાવાદ  : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો શુક્રવારે રોડ શો યોજાનાર છે. ચૂંટણીનું ફોર્મ ભરવા જતાં અગાઉ સરદાર પટેલ બાવલાથી પાટીદાર ચોક ઘાટલોડીયા વિસ્તાર સુધીનો રેલીનો રૂટ છે. એક લાખ લોકો રેલીમાં હાજર રહે તેવી શક્યતાને પગલે જેસીપી સેક્ટર-૧ની નિગરાનીમાં ૩ ડીસીપી, ૮ એસીપી, ૨૦ પીઆઈ, ૧૩૦ પીએસઆઈ, ૨૨૦૦ પોલીસ જવાનો બહારના તેમજ લોકલ થઈને કુલ ૨૫૦૦ જવાનો તહેનાત રહેશે. શુક્રવારે સાંજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિરીક્ષણમાં પોલીસે સમગ્ર રૂટનું રિર્હસલ કર્યું હતું. ગાંધીનગર ખાતે પણ ઘ-૭ થી કલેક્ટર ઓફીસ સુધી ૩૫૦ જવાનોનો કાફલો તહેનાત રહેશે. રેલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહેવાના હોવાથી ભાજપના પદાધીકારીઓ, મંત્રીઓ, હોદ્દદોરો કાર્યકરો હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આજે અમદાવાદમાં મેગા રોડ- શો, અમિત શાહ ગાંધીનગરમાં ભરશે ઉમેદવારી ફોર્મ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/mega-road-show-ahmedabad-gujarat-amit-shah-fill-the-subscription-form/
via Best Gujarati News