કાશ્મીરમાં બે એન્કાઉન્ટર : પાંચ આતંકી ઠાર, એક જીવતો પકડાયો
। શ્રીનગર ।
જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને હંદવારા એમ બે સ્થાને સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં પાંચ ત્રાસવાદી ઠાર મરાયા છે. બીજી બાજુ અનંતનાગમાં આર્મી અને પોલીસને એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આતંક પ્રભાવિત જિલ્લામાં બીજબહેડા ખાતેથી હિઝબુલ મુજાહિદ્દીનનો ખતરનાક આતંકી રમીઝ અહમદ ડારને જીવતો પકડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી મોટા જથ્થામાં હથિયારો અને અન્ય સામગ્રી જપ્ત કર્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી તે હિઝબુલ અને અલ બદ્ર નામના આતંકી સંગઠન માટે કામ કરતો હોવાનું મનાય છે. શોપિયાં જિલ્લાના કેલ્લાર વિસ્તારમાં સીઆરપીએફ અને સૈન્યની સંયુક્ત ટુકડી પર પરોઢિયે ત્રાસવાદીઓએ હુમલો કરતાં સર્જાયેલી અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઈબા સંગઠનના ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા હતા.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રાસવાદીઓને સજાદ ખાન્દે, અકિબ અહમદ દાર અને બશરત અહમદ મીર તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. ત્રણેય પુલવામાના રહીશ હતા. ત્રણેય ત્રાસવાદીઓ પોલીસ પર થયેલા સંખ્યાબંધ હુમલા અને નાગરિકોની પજવણીના અનેક કિસ્સામાં સંડોવણી ધરાવતા હતા. અહમદ મીર સામે સંક્યાબંધ અપરાધ નોંધાયેલા હતા. વિસ્તારમાં ત્રાસવાદી હુમલાના આયોજન કરીને તે અંજામ આપતો હતો. તે અરસામાં જ કુપવારા જિલ્લાના હંદવારા ખાતે એક અન્ય અથડામણ સર્જાઈ હતી.
હંદવારાના યારો ક્ષેત્રમાં અથડામણ શરૂ થતાં જ સમગ્ર વિસ્તારની સુરક્ષા દળોએ નાકાબંધી કરી લીધી હતી. અથડામણમાં બે ત્રાસવાદી ઠાર થયા હતા. ઘટનાસ્થળેથી રાઇફલ અને ગ્રેનેડ સહિતની સામગ્રી મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કાશ્મીરમાં બે એન્કાઉન્ટર : પાંચ આતંકી ઠાર, એક જીવતો પકડાયો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kashmir-two-encounter/
via Best Gujarati News
0 Comments